વોર્ડ નંબર 17ના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ રાજ્યની ભાજપ સરકાર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે આજે સવારથી તેમના ઘરે પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે, જે લોકશાહી માટે ચિંતાજનક બાબત છે.
કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ કહ્યું, “આજે સવારથી ભાજપ સરકારના ઈશારે મારા ઘરે પોલીસનો પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે, આટલું ધ્યાન દારૂના બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ ઉપર રાખ્યું હોત તો આપણું યુવાધન આ નશાખોરીના દુષણ થી બચી ગયું હોત.”
તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર ખોટા પ્રદર્શન અને દેખાડા પર ભાર મૂકી રહી છે, જ્યારે વાસ્તવિક મુદ્દાઓને અવગણવામાં આવી રહ્યા છે. આજના ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ અંગે પણ તેમણે તીખી ટિપ્પણી કરી.
વિપુલ સુહાગિયાએ કહ્યું, “બીજી વાત આજના આ ભવ્ય રાજસ્વી સન્માન સમારોહમાં જો તમારી સન્માન સ્વીકારવાની લાયકાત હોત તો આટલા બધા પોલીસ બંદોબસ્ત ગોઠવવા ના પડ્યા હોત, કરી બતાવો વગર પોલીસે ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ…”
તેમના જણાવ્યા મુજબ, પોલીસ બંદોબસ્ત દ્વારા સન્માન સમારોહને ભવ્ય બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે જનતાના મૂળભૂત પ્રશ્નો પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. આ સમગ્ર ઘટનાને લઈ શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
