પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માન 28 જાન્યુઆરીના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ અંગે માહિતી આપતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વિડિયો સંદેશના માધ્યમથી જણાવ્યું હતું.
મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, “પંજાબને ‘ઉડતા પંજાબ’માંથી બહાર કાઢીને વિકાસ અને સમૃદ્ધિના માર્ગે દોરી ગયેલા, પંજાબમાં વ્યાપક પરિવર્તન લાવનારા અને અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકનારા મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે.”
તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ પહોંચ્યા બાદ ગુરુદ્વારામાં દર્શન કરશે અને ત્યારબાદ ગુજરાતની તમામ મીડિયાને સંબોધિત કરશે. પંજાબ સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી અનેક કલ્યાણકારી યોજનાઓ અંગે તેઓ વિગતવાર માહિતી આપશે.
ખાસ કરીને સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલી યુનિવર્સલ હેલ્થકેર યોજના તેમજ પંજાબમાં થયેલા વિકાસકાર્યો અંગે મુખ્યમંત્રી ભગવંત માન પોતાની વાત રજૂ કરશે. મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, “આમ આદમી પાર્ટી પંજાબની જેમ ગુજરાતમાં પણ સકારાત્મક બદલાવ લાવવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને ગુજરાતના લોકોને વધુ સારું, પારદર્શક અને જનહિતકારી શાસન આપવાનો અમારો સંકલ્પ છે.”
