આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના નેતા રાકેશ હિરપરાએ મુંબઈ સ્થિત ઐતિહાસિક મણીભવનના મહત્વને ઉજાગર કરતાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારોને સ્મરણમાં લાવ્યા. તેમણે ગાંધીબાપુનું પ્રખ્યાત વાક્ય ઉલ્લેખ્યું:
“જે સરકારે હિંદુસ્તાનને તમામ પ્રકારે પાયમાલ કરેલ છે, એ સરકાર સાથે દ્રોહ કરવો એને હું મારો ધર્મ સમજુ છું.” – રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધી બાપુ
મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનથી માત્ર અઢી કિલોમીટર દૂર આવેલું મણીભવન એક શાંત અને ઐતિહાસિક સ્થળ છે. 1917 થી 1934 દરમિયાન મણીભવન ગાંધીજીની પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું હતું.
આ ભવનમાંથી જ ગાંધીજીએ અસહકાર આંદોલનની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી અને તેનું નેતૃત્વ સંભાળ્યું. 1919માં રોલેટ એક્ટ સામે દેશવ્યાપી સત્યાગ્રહની શરૂઆત પણ અહીંથી જ કરવામાં આવી હતી, જે ગાંધીજીની પ્રથમ રાષ્ટ્રીય લડત હતી. જુલાઈ 1921માં મણીભવનના ધાબા પર વિદેશી વસ્ત્રોની હોળી કરવામાં આવી, જેના કારણે સ્વદેશી આંદોલનને નવી દિશા મળી.
4 જાન્યુઆરી, 1932ના રોજ બીજી ગોળમેજી પરિષદમાંથી પરત આવ્યા બાદ બ્રિટિશ સરકારે ગાંધીજીની વહેલી સવારે મણીભવનમાંથી જ ધરપકડ કરી હતી.
મણીભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ પુસ્તકાલયમાં ગાંધીજીના જીવન પર આધારિત 40,000થી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. પ્રથમ માળ પરના ફોટો-પ્રદર્શનમાં દુર્લભ તસવીરો અને ચિત્રો દ્વારા ગાંધીજીના બાળપણથી લઈને અંતિમ સંસ્કાર સુધીના મહત્વપૂર્ણ તબક્કાઓ દર્શાવવામાં આવ્યા છે. ગાંધીજી રહેતા હતા તે ઓરડાને તેમની ખાટલી, ચરખો, પુસ્તકો અને અંગત વસ્તુઓ સાથે મૂળ સ્વરૂપમાં સાચવી રાખવામાં આવ્યો છે. આ જ ઓરડાની બાલ્કનીમાંથી તેઓ સભાને સંબોધતા હતા.
